લગ્નગીતો


( શર્મીલાબેન સી. જાની )
લગ્નગીત - ધબકતી લાગણીની વાચા 
પ્રસ્તાવના : 
                                સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
                                      જાન ઉઘલતી માલે,
                                 કેસરિયાવાળો સાફો,
                                        ઘરનું ફળિયું લઈને ચાલે.
                                                                - અનીલ જોષી
         કવિશ્રી એ આ પંક્તિઓમાં હૃદયસ્પર્શી વાત કરી છે. દીકરીનું બાળપણ આ ફળિયામાં જાણે વિખરાયેલું હોય અને પિતા એને પોતાની પછેડીમાં સમેટવા ન માગતી હોય !!! કવિશ્રી આ પંક્તિઓમાં એટલે જ તો પોતાની વેદના આ રીતે વ્યક્ત કરે છે કે 'જો સુરજના ઘરે માંડવા બંધાયને તો એને ખબર પડે કે અંધારું શું ચીજ છે !'
              ખેર, ' લગ્નગીત' શબ્દ સંભાળતા જ કાનોમાં શરણાઈના શુર રેલાવા લાગે. ઢોલ ઢબૂકતો સંભળાય, ચારેતરફ લોકોના પંગરવ સંભળાય અને એ પંગરવમાં જાણે હર્ષોલ્લાસ જોવા મળે અને વાતાવરણ જીવંત બની જાય !!!
              આપણા લગ્નગીતોમાં ફટાણારૂપે હાસ્ય હોય, મશ્કરી હોય અને પ્રકૃતિને પર્યાવરણની પણ ગુંથી લીધેલું હોય જેમ કે આબલી-પીપળી, સરોવરની પાળ, માન સરોવર, ઘરનો ઉંબરો, હાથી મોર, કોયલ, હંસ અને પોતાના સ્વજનોની લાગણી-વેદનાઓ પણ હોય ! લગ્નગીતોમાં કેટકેટલી મીઠાશ, લાગણી અને હૃદયસ્પર્શી ભાવ હોય !
              લગ્નગીતો એ ગુજરાતી સાહિત્યનો અમુલ વારસો છે.આજના ડી.જે. અને મ્યુઝીકલ પાર્ટીના જમાનામાં લગ્નગીતો વીરસાવા લાગ્યા છે.ત્યારે અહી એને ફરી આળસ મરડી જગાડવાનો નમ્ર પ્રયાસ છે.                                                                                   અસ્તુ.
                                                                        - શર્મીલાબેન સી. જાની 
(શબ્દો તથા MP3 સાથે)
ગણેશ સ્થાપના-૧
 
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા         
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા                        
         ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા
 
કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો                    
       ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો                   
           હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા
 
કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો                   
            જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો                   
             ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા
 
કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો                   
             વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં                     
     રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા
 
તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું                          
         ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર                         
           તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા
 
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા                      
         અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ                      
       અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા
 
વીવા, અઘરણી ને જગવને જનોઈ                     
           પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા
 
ક્લીક કરો અને સાંભળોઃ
Mara_Ganesh_Dundala.mp3
કંકુ છાંટી કંકોતરી મોકલો
(લગન લખતી વખતે ગવાતું ગીત)
 
કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં
 
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
 
બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
 
બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
 
બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
 

 
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
 
(સાંજીનું ગીત)
 
એક તે  રાજને  દ્વારે  રમંતા બેનીબાદાદે તે  હસીને બોલાવિયાં
 
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળીઆંખલડી રે જળે તે ભરી
નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી
 
એક ઊંચો તે વર ના જોશો રે દાદાઊંચો તો નિત્ય નેવાં ભાંગશે
એક નીચો તે વર ના જોશો રે દાદાનીચો તો  નિત્ય ઠેબે આવશે
 
એક ધોળો તે વર ના જોશો રે દાદા,   ધોળો  તે  આપ  વખાણશે
એક કાળો તે વર ના જોશો  રે દાદા,   કાળો  તે  કુટુમ્બ લજાવશે
 
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો                            
                                         તે મારી સૈયરે  વખાણિયો
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો                       
                                  ભલો તે વખાણ્યો મારી ભાભીએ
 
ક્લીક કરો અને સાંભળોઃ
Uncho_Te_Var.mp3
 
 
 
કોયલ બેઠી આંબલિયાની ડાળ
 
(સાંજીનું ગીત)
 
કોયલ બેઠી આંબલિયાની ડાળમોરલિયો બેઠો રે ગઢને કાંગરે
 
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
 
કોયલ માંગે કડલાંની જોડ,   મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
 
કોયલ માંગે ચૂડલાંની જોડમોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
 
કોયલ માંગે નથડીની જોડમોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે હારલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
 
ક્લીક કરો અને સાંભળોઃ
Koyal_Bethi.mp3
 
 
 
બાગમાં છંટાવો કાજુ કેવડો
 
(સાંજીનું ગીત)
 
બાગમાં છંટાવો કાજુ કેવડો                           
            વાડીમાં રોપાવો નાગરવેલ રે           
                                  છંટાવો કાજુ કેવડો
 
છગનભાઈનો કુંવર કાજુ કેવડો                      
    મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે      
                                  છંટાવો કાજુ કેવડો
 
કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં                     
           ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે       
                                  છંટાવો કાજુ કેવડો
 
કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં                  
             પાન એટલાં વહુરાણીનાં માન રે      
                                  છંટાવો કાજુ કેવડો
 
સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો                 
    કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે      
                                  છંટાવો કાજુ કેવડો
 
 
 
 
 
દાદા એને ડગલે ડગલે
(સાંજીનું ગીત)
 
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે           
                  દાતણ કરશે બાળાવરની જાન રે
 
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે          
                   નાવણ કરશે બાળાવરની જાન રે
 
દાદા એને ડગલે ડગલે  કંદોઈ બેસાડો રે           
                  ભોજન કરશે બાળાવરની જાન રે
 
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે          
                 મુખવાસ કરશે બાળાવરની જાન રે
 
દાદા એને ડગલે ડગલે  ઢોલિયા ઢળાવો રે         
                    પોઢણ કરશે બાળાવરની જાન રે
 
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે        
                    ઉતારા કરશે બાળાવરની જાન રે
 
ક્લીક કરો અને સાંભળોઃ
Dada_Ene_Dagle_Dagle.mp3
 
 
 
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે
 
(સાંજીનું ગીત)
 
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
મણીયારાને હાટે વીરો ચુડલો મૂલવે
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
સોનીડાને હાટે વીરો હારલા મૂલવે
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
કડી કેસરનો વીરો કડલો તે મૂલવે
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે  રાયવર પતંગ ઉડાડે
 
ક્લીક કરો અને સાંભળોઃ
Nadi_Ne_Kinare_Raivar.mp3
 
 
 
મોટા માંડવડા રોપાવો
(મંડપ મૂરત)
 
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
 
વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશો મોભી પરણાવો માણારાજ
 
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
 
વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
 
વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ
હોંશે ભાણેજ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
 
 
 
 
 
મારો માંડવો રઢિયાળો
(વરપક્ષે મંડપ મૂરત)
 
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ
લીલી પીળી માંડવાની છાંય માણારાજ
 
વીરને માતા જોઈએ તો શારદાબેનને તેડાવો માણારાજ
લાડેકોડે અમરીશભાઈ પરણાવો માણારાજ
 
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ
લીલી પીળી માંડવાની છાંય માણારાજ
 
વીરને બાપુ જોઈએ તો કનુભાઈને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરો પરણાવો માણારાજ
 
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ
લીલી પીળી માંડવાની છાંય માણારાજ
 
વીરને બેની જોઈએ તો ભારતીબેનને તેડાવો માણારાજ
લાડેકોડે વીરાને પરણાવો માણારાજ
 
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ
લીલી પીળી માંડવાની છાંય માણારાજ
 
વીરને બનેવી જોઈએ તો નરેશભાઈને તેડાવો માણારાજ
લાડેકોડે અમરીશભાઈ પરણાવો માણારાજ
 
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ
લીલી પીળી માંડવાની છાંય માણારાજ
 
ક્લીક કરો અને સાંભળોઃ
Maro_Mandavo_Radhiyalo.mp3
 
 
 
લીલા માંડવા રોપાવો
(મંડપ મૂરત)
 
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ
લીલા  વાંસ  વઢાવોરૂડાં માંડવા બંધાવો માણારાજ
 
લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ
 
એમના કાકાને તેડાવો, એમની કાકીને તેડાવો માણારાજ
લાડેકોડે ભત્રિજી પરણાવો માણારાજ
 
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ
લીલા  વાંસ  વઢાવોરૂડાં માંડવા બંધાવો માણારાજ
 
લાડેકોડે નિશાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ
 
એમના નાનાને તેડાવો, એમની નાનીને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ
 
ક્લીક કરો અને સાંભળોઃ
Leela_Mandava_Ropavo.mp3
 
 
પીઠી ચોળોને પંચકલ્યાણી
(પીઠીનું ગીત)
 
પીઠી  ચોળોને  પંચ કલ્યાણી
પીઠી કિયા રે મુલકથી આણી
પીઠી  સુરત  શહેરથી આણી
પીઠી  વડોદરામાં  વખણાણી
પીઠી  મુંબઈમાં  રે   ગવાણી
 
પીઠી પાવલાની પાશેર, પીઠી અડધાની અચ્છેર
પીઠી પોણાની  પોણો શેર, પીઠી  રૂપૈયાની શેર
 
પીઠી  રૂપલા  વાટકડે  ઘોળાય  રે
પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે
 
પીઠી  મામા  ને  મામી રે લાવે
પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે
પીઠી  જોવાને   સહુ  રે  આવે
 
ક્લીક કરો અને સાંભળો જુની ગ્રામોફોન રેકોર્ડઃ
Pithi_Panchkalyani.mp3
 
 
પીઠી ચોળો રે પીતરાણી
(પીઠીનું ગીત)
 
પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે
 
હાથ પગ ચોળે રે વીરની ભાભી રે
મુખડાં નીહાળે રે  વીરની માતા રે
પીઠી   ચડશે   રે   જીયાવરને  રે
કાકા તેલ ચોળશે  રે  મારા વીરને
કાચા તેલ  ચડશે  રે પેલી છોડીને
પાટેથી ઉતારશે  વીરના  મામા રે
કાજળ આંજશે રે વીરના મામી રે
 
પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે
 
ક્લીક કરો અને સાંભળોઃ
Pithi_Pithi_Chholo_Re.mp3
 
 
 
 
 
ધીમી ધીમી મોટર હાંકો
(જાનમાં ગવાતું ગીત)
 
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા            
                        ધીમી ધીમી મોટર હાંકો રે
 
રાજકોટ શહેરના ચાર દરવાજા                 
                   પહેલે દરવાજે ઊભી રાખો રે
 
પહેલે દરવાજે કસુંબીના હાટ છે                 
                     ઘરચોળા મોલવીને આવો ને
 
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા            
                        ધીમી ધીમી મોટર હાંકો રે
 
રાજકોટ શહેરના ચાર દરવાજા                  
                    બીજે દરવાજે ઊભી રાખો રે
 
બીજે દરવાજે મણિયારાના હાટ છે               
                   ચૂડલો મોલવીને વેલા આવો રે
 
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા            
                        ધીમી ધીમી મોટર હાંકો રે
 
રાજકોટ શહેરના ચાર દરવાજા                  
                   ત્રીજે દરવાજે ઊભી રાખો રે
 
ત્રીજે દરવાજે સોનીડાના હાટ છે                
                  પહોંચો મોલવીને વેલા આવો રે
 
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા            
                        ધીમી ધીમી મોટર હાંકો રે
 
રાજકોટ શહેરના ચાર દરવાજા                  
                     ચોથે દરવાજે ઊભી રાખો રે
 
ચોથે દરવાજે સસરાજી ઊભા                    
                       લાડી પરણીને વેલા આવોને
 
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા            
                        ધીમી ધીમી મોટર હાંકો રે
 
ક્લીક કરો અને સાંભળોઃ
Dhimi_Dhimi_Motor.mp3
 
 
 
વરરાજે સીમડી ઘેરી
 
(જાનમાં ગવાતું ગીત)
 
મોર તારી સોનાની ચાંચ, મોર તારી  રૂપાની પાંખ 
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય
 
મોર જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ
 
વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ
જીગરભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ
 
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ, સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ
 
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
જીગરભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ
 
ઝાંપે કાંઈ છાંટણાં  છંટાવ, ઝાંપે કાંઈ પાણીડાં છંટાવ
ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ
 
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
જીગરભાઈ વરરાજે શેરીયું ઘેરી માણારાજ
 
શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ, શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ
સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ
 
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
જીગરભાઈ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ
 
માંડવડે કાંઈ લાડકી પધરાવ, માંડવડે કાંઈ લાડકી પધરાવ
લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ
 
ગોત્રીજે કાંઈ રમતું મંડાવ, ગોત્રીજે કાંઈ રમતું મંડાવ
રમતુંનો હોંશી વીરો મારો આવે માણારાજ
 
ક્લીક કરો અને સાંભળોઃ
(1) Mor_Tari_Sonani_Chanch.mp3
 
(2)  Var_Raje_Simdi_Gheri.mp3
 
 
લાલ મોટર આવી
(નવવધુને નિમંત્રણ)
 
લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી                    
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
દશરથ જેવા સસરા, તમને નહિ દે કાઢવા કચરા           
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
કૌશલ્યા જેવા સાસુ, તમને નહિ પડાવે આંસુ              
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
રામચંદ્ર જેવા જેઠ, તમને નહિ કરવા દે વેઠ               
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
લક્ષ્મણ જેવા દિયર, તમને નહિ જવાદે પિયર            
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
સુભદ્રા જેવી નણદી, તમને કામ કરાવશે જલદી         
                     મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
 
ક્લીક કરો અને સાંભળોઃ
Lal_Motor_Aavi.mp3
 
 
 
 
ગોર લટપટિયા
(માંડવામાં ગાવાનું ફટાણું)
 
ગોર     કરોને      ઉકેલ   ગોર લટપટિયા
મારે    છેટાંની   છે   જાન  ગોર લટપટિયા
મારે   થાય     છે   અહૂર  ગોર લટપટિયા
 
ગોરને  હાંડા  જેવડું  માથું   ગોર લટપટિયા
ગોરને નળિયા  જેવડું નાક   ગોર લટપટિયા
 
ગોરને કોડાં  જેવડી આંખ્યું  ગોર લટપટિયા
ગોરને કોડિયાં  જેવડા  કાન  ગોર લટપટિયા
 
ગોરને  સૂપડાં  જેવા  હોઠ   ગોર લટપટિયા
ગોરને ફળિયા જેવડી  ફાંદ  ગોર લટપટિયા
 
ગોર     કરોને      ઉકેલ   ગોર લટપટિયા
મારે    છેટાંની   છે   જાન  ગોર લટપટિયા
મારે   થાય     છે   અહૂર  ગોર લટપટિયા
 
ક્લીક કરો અને સાંભળોઃ
Gor_Latapatiya.mp3
 
 
 
 
 
 
આ વર-કન્યાનું સુંદર જોડું
(આશીર્વાદ)
 
આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
 
જ્યારે પારવતીએ તપ ધરિયાં  ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં
જ્યારે બેનીબાએ તપ ધરિયાં  ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં
 
આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
 
જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં
જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ  રૂડા સ્વામી મળ્યાં
 
આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો!
અહો પ્રભુજી અમર રહો!
 
ક્લીક કરો અને સાંભળોઃ
Aa_Var_Kanya_Nu.mp3
 
 
આલા તે લીલા વનની વાંસલડી
(કન્યા વિદાય)
 
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
દાદાને અતિ વહાલાં અમીબેન રે  એ તો પરણીને સાસરિયે જાય
 
એક દિ રોકાઓ  મારી દિકરી રે  તમને આપું  હું કાલે   વિદાય
હવે કેમ  રોકાઉં  મારા દાદા  રે  સાથ  મારો  સાસરિયાંનો જાય
 
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
માતાને અતિ વહાલાં અમીબેન રે  એ તો પરણીને સાસરિયે જાય
 
એક દિ  રોકાઓ  મારી કુંવરી રે  તમને  આપું  હું  કાલે  વિદાય
હવે કેમ  રોકાઉં  મારી માડી  રે  સાથ  મારો  સાસરિયાંનો જાય
 
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
વીરાને અતિ વહાલાં અમીબેન રે  એ તો પરણીને સાસરિયે જાય
 
એક દિ  રોકાઓ  મારી બેની રે  તમને  આપું  હું  કાલે  વિદાય
હવે કેમ  રોકાઉં મારા  વીરા  રે  સાથ મારો  સાસરિયાંનો જાય
 
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય